.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં તેજી આવી છે. વિવિધ રાજકીય પાર્ટીઓ પ્રભુત્વ જમાવવા માટે તૈયારીઓમાં વ્યસ્ત બની છે. એક બાદ એક રાજકીય દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી હોય કે ભાજપ. જનતાને રીઝવવા માટે સભા સંબોધનોમાં વ્યસ્ત બની છે. ખાસ કરીને પીએમ મોદી ગુજરાતના પ્રવાસે વારંવાર આવી રહ્યા છે ત્યારે વધુ એકવાર તેઓ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
સૌરાષ્ટ્ર વિધાનસભાની બેઠકો પર કબ્જો જમાવવા રાજકીય પાર્ટીઓએ કવાયત તેજ કરી છે. ત્યારે પીએમ મોદી આટકોટના હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. આ હોસ્પિટલ પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ કરવા પીએમ મોદી આવી શકે છે. ૨૦૧૭માં સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકમાં ભાજપને થયેલું નુકસાન રિપીટ ન થાય તેને લઇ સતર્કતાના ભાગરૂપે પ્રધાનમંત્રી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી શકે છે.. કારણ કે કાર્યક્રમની વિગતો પીએમઓ એ કલેકટર પાસેથી માંગી છે. પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો ૪૦ કરોડના ખર્ચે ૨૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ કરાયું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ પીએમના હસ્તે થાય તે માટે આમંત્રણ અપાયું છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. આ વખતે તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાના સંમેલનને પીએમ મોદી સંબોધશે. રાજકોટમાં પણ પીએમ મોદી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.