છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ધર્મ મુદ્દે રાજકારણ કરવા મુદ્દે નિશાન તાક્યું હતું. તેમણે ભાજપ અને આરએસએસ પર દયાવાન અને સૌમ્ય ભગવાન રામને રેમ્બો અને ભગવાન હનુમાનને ક્રોધના પ્રતીકમાં ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. બઘેલે જણાવ્યું કે, વર્તમાન સમયમાં ભારત આક્રમક રાષ્ટ્રવાદના સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં દેશભરમાંથી સાંપ્રદાયિક હિંસાના સમાચાર સામે આવ્યા. તેમાં અસહમતિનું કોઈ સ્થાન નથી. આ બધું વધુ નહીં ચાલે અને કોંગ્રેસ વાપસી કરશે.
કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, રામ આપણી સંસ્કૃતિમાં સમાયેલા છે. રામ સાકાર અને નિરાકાર એમ બંને છે. આપણે રામનો અનેક અલગ-અલગ સ્વરૂપોમાં સ્વીકાર કર્યો છે. તેમાં આપણે કબીરના રામ, તુલસીના રામ અને શબરીના રામને જાણીએ છીએ. રામ આપણાં ભારતીયોના દિલ-દિમાગમાં વસે છે. સૌના માટે રાના અલગ સ્વરૂપો છે. ખેડૂતો તેમને અલગ રૂપે જુએ છે અને આદિવાસી અલગ રૂપમાં જુએ છે. તો બુદ્ધિજીવીઓ અને ભક્તો તેમને અલગ સ્વરૂપે જુએ છે.
મહાત્માં ગાંધીએ પણ રામને પોતાના ભાવમાં જોયા હતા. તેમના અંતિમ શબ્દો ‘હે રામ’ હતા અને તેઓ રઘુપતિ રાઘવ રાજા રામનો પાઠ કરતા હતા. આજે ભાજપ અને આરએસએસ જે રીતે રામને જુએ છે અને જે એજન્ડા નક્કી કરે છે તેણે મર્યાદાપુરૂષોત્તમ રામને એક આક્રમક યોદ્ધાના સ્વરૂપમાં બદલી દીધા છે. તેમને રેમ્બો બનાવવામાં આવ્યા છે.
બઘેલે જણાવ્યું કે, ભગવાન હનુમાન નમ્રતા, ભક્તિ અને જ્ઞાનના પ્રતીક છે. જો તમે હનુમાનના જૂના ચિત્રો જોશો તો તેઓ ભક્તિ ભાવમાં ધ્યાન મુદ્રામાં છે પરંતુ આજે તેમના પોસ્ટરને ક્રોધી અને આક્રમકરૂપે બતાવવામાં આવી રહ્યા છે.