કેન્દ્રિય મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ વેરાવળની લીધી મુલાકાત

કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ વેરાવળની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ફિશરીઝ સાઈન્સ કૉલેજમાં ૩.૩૫ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત તરંગ બોય્ઝ હોસ્ટેલનું તક્તી અનાવરણની સાથે લોકાર્પણ કર્યું હતું. તેમણે ફિશરીઝ કૉલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકાર અને વિશેષપણે મત્સ્ય વિભાગની યોજનાઓનો લાભ મેળવીને ઉદ્યોગ સાહસિક બને તેવું આહ્વાન કર્યું હતું. કેન્દ્રિય મંત્રીએ કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન આ મત્સ્ય વિજ્ઞાન મહા વિદ્યાલયની હોસ્ટેલની અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહનુભાવો, યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું. મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ માટે કાઉન્ટ ડાઉન યોગોત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાસ્થ્ય, સુખ અને સુખાકારી માટે યોગ થીમ પર આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, યોગવિધાએ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગ અને આયુર્વેદને વેશ્વિક ઓળખ મળી છે.

યોગ અને આયુર્વેદ પુન:સ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વનું કાર્ય કર્યુ છે અને ઘરે ઘરે યોગ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, યોગ તરફ આજની નવી પેઢી વળે, અને આ અનમોલ વિદ્યા દ્વારા તન અને મન તંદુરસ્ત બને અને તન-મનથી રાષ્ટ્રને તંદુરસ્ત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. વ્યક્તિ,સમાજ અને દેશ તંદુરસ્ત બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ કરીએ. યોગ અને આયુર્વેદ આ બંન્ને સદપ્રમાણ અનુપાલન વ્યક્તિગત જીવનમાં વધે તો સામાજિક તંદુરસ્તીનું સ્તર આપોઆપ ઉપર આવે. ફિશિરીઝ વિભાગ દ્વારા દરિયાઇ પટ્ટી વિસ્તારમાં યોગને વધુને વધુ લોકો સુધી લઇ જવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

યોગોત્સવ કાર્યક્રમ બાદ મંત્રી પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો પોરબંદરના હાજી અબ્દુલભાઇ સત્તાર મૌલાનાની શુભેચ્છા મુલાકાત કરી તેમની લાઇબ્રેરીનુ નિરિક્ષણ કરી ખુશી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *