ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ દેખાઈ રહ્યાં છે. હાર્દિક અવાર / નવાર કોંગ્રેસ પાસેથી કાંઈ ન મળ્યું હોવાનું નિવેદન આપે છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ભરતસિંહે જણાવ્યું કે, હાર્દિક પટેલ અંગે હાર્દિકને પૂછવું જ યોગ્ય કહેવાય. કોંગ્રેસ પાર્ટી સક્ષમ છે. જ્યારે જે પણ નિર્ણય લેવા પડશે તે નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવશે. કોંગ્રેસ બંધારણ પ્રમાણે નેતૃત્વ નિર્ણય કરશે. હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે. એમને હું ક્યાં સલાહ આપવા જઉં.’
ગઇ કાલે રાજકોટના કાગવડ ખાતેના ખોડલધામ ખાતે નરેશ પટેલ, હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જે બેઠક પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે કોંગ્રેસથી નારાજગી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘છું જ ને કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ. કાર્યકારી અધ્યક્ષ હોઉં તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં.’
હાર્દિકે કોંગ્રેસથી નારાજગી મુદ્દે જણાવ્યું કે, “જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. ૨૦૧૫ હોય, ૨૦૧૭ હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા ૧૦૦ % આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.’