છેલ્લા અઢી મહિનામાં વૈશ્વિક શેરબજારમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે અને તેની સાથે સંપત્તિનો ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વખતે મોંઘવારી, યુદ્ધ અને વધી રહેલા વ્યાજના દર કારણો છે અને સૌથી મહત્વની વાત છે કે ટેકનોલોજી શેરોમાં સૌથી મોટા કડાકા બોલી ગયા છે. વર્તમાન ઘટાડામાં વૈશ્વિક શેરબજારમાં ૧૧ લાખ કરોડ ડોલરનું ધોવાણ થયું છે. આ આંકડો ભારતના શેરબજારની, બધી જ લીસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશન કરતા ૩ ગણું થાય! ભારતના કુલ જીડીપી કરતા સાડા ત્રણ ગણું થાય!
સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર વેચવાલીમાં અમેરિકન ટેકનોલોજી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના નાસ્ડાક ઇન્ડેક્સમાં જાન્યુઆરીની સામે ૨૭ % જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને તેના કારણે આ શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓનું મૂલ્ય ૭.૬ લાખ કરોડ ડોલર ઘટી ગયું છે. વિશ્વના કુલ ઘટાડામાં એકલા આ બજારનો હિસ્સો ૭૦ % જેટલો છે.
વિશ્વની શેરબજારમાં સ્ટ્રેટેજી નક્કી કરતા મોર્ગન સ્ટેન્લી, સિટી ગ્રુપ એવું માને છે કે ઊંચા વ્યાજ દર એ મોંઘવારીના કારણે ભલે ૧૧ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું પણ આ ઘટાડો હજુ અટકશે નહી. બજારમાં વ્યાજ દર અંગેની ચિંતા અને તેના કારણે અમેરિકામાં વર્ષ ૨૦૨૩માં સંભવિત મંદીની દહેશત છે. જે રીતે બજારમાં અમેરિકન બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે અને ડોલર બે દાયકાની ઉંચી સપાટીએ છે એ દર્શાવે છે કે જોખમ છોડી લોકો સલામતી શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રોથ શેર વિષે વિચારી રહ્યા છે. બીજું, કંપનીઓની કમાણી ઘટે તો તેના ભાવ પણ સાથે ઘટવા જોઈએ જ.
રોકાણકારો કોમોડીટીઝ કંપનીઓ અને વેલ્યુ બાઈંગમાં વિશ્વાસ મુકે છે. કોમોડીટીઝ એટલે એવી કંપનીઓ કે જેની માંગ સતત અને અવિરત ચાલતી રહે. જ્યાં સુધી બજારમાં ગ્રાહક હોય ત્યાં સુધી તેમની ચીજોનું વેચાણ થતું જ રહે. વેલ્યુ બાઈંગમાં એવા શેરની ખરીદી કરવામાં આવે છે જેમાં ઘટાડો વધારે પડતો હોય. બહુ ઘટાડાના કારણે ઓછા જોખમે શેરની ખરીદી કરી શકાય.