આગામી થોડા મહિનાઓમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ તમામ પક્ષ હાલ ગુજરાતીઓને ખુશ કરવાના અનેક ઉપાયો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની ઉદયપુરમાં પાર્ટીની ચિંતન શિબિર યોજાઇ રહી છે. જ્યાં ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે શિબિરમાં હાજરી આપી ન હતી. કોંગ્રેસનો દાવો છે કે, તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી, કારણ કે, તેઓ આમંત્રણની કોઈપણ શ્રેણીમાં આવતા નથી. જોકે, હાર્દિક જેવા જ યુવા નેતા કન્હૈયા કુમાર સમિતિના સભ્ય તરીકે ચિંતન શિબિરમાં સામેલ છે. હાર્દિકના નજીકના માણસો દાવો કરી રહ્યા છે કે, તેમને અલગથી આમંત્રણ મળ્યું હતું પરંતુ તેમણે જવાનો ઇનકાર કર્યો હતો. સવાલ એ થાય છે કે હાર્દિક કેમ નારાજ છે ?
વાસ્તવમાં ગુજરાતમાં ચૂંટણીમાં પાટીદાર અથવા પટેલ સમુદાય નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલ, ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયાના સમાચારથી નારાજ લાગી રહ્યા છે. અત્યાર સુધી હાર્દિક પટેલ પાર્ટીમાં સૌથી મોટો પટેલ ચહેરો હતો. તેમણે નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશવા અંગે ઘણો જ વિરોધ કર્યો છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસનું નેતૃત્તવ નરેશ પટેલ સાથે સતત વાત કરી રહ્યા છે અને તેમને પાર્ટીમાં લેવા અંગે પણ સહમતિ થઇ રહી છે.