ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હાર્દિક પટેલના નિર્ણય બાદ હવે સૌ કોઈની નજર નરેશ પટેલના નિર્ણય પર છે મહત્વનું છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે કે શું નરેશ પટેલ પણ જોડાશે ભાજપમાં ?
હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘કોંગ્રેસમાંથી જેને જવું હોય તે જઈ શકે છે.’ પાર્ટીના અગ્રણીઓને સંદેશ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જેને ડર લાગે છે તેને પાર્ટીમાંથી બહાર કાઢો. અમને પાર્ટીમાં નિડર લોકો જોઇએ છીએ. કેટલાંક લોકો બહાર છે તેમને પાર્ટીમાં લાવો. RSSના છો તો ભાગો. નથી જોઇતા. RSS અને ભાજપની ટીમમાં જેને જવું હોય તે જઇ શકે છે.’
હાર્દિક પટેલે રાજીનામા પત્રમાં ‘CAA-NRC, ધારા-૩૭૦, રામ મંદિર જેવા મુદ્દામાં કોંગ્રેસ માત્ર બાધા બની છે. હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું. હાઇકમાન્ડને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. ગુજરાતનાં નેતાઓ દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ ટાઈમ પર મળી કે નહીં તેની પર જ ધ્યાન આપે છે.’