મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાલ ધસી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે મૃતકોના વારસદારોને સહાય આપવાની જે જાહેરાત કરી છે તે અંગે પણ સંવેદનાસભર વાતચીત કરી હતી. તેમણે જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રના અધિકારીઓ પાસેથી આ દુર્ઘટના સર્જાવા અંગેની પ્રાથમિક વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોને અપાઇ રહેલી સારવાર અંગે પણ સિવિલ હોસ્પિટલમાં જઇને વિગતો જાણી હતી. તેમણે આ ઇજાગ્રસ્તોને જરૂર જણાય ત્યારે વધુ સારવાર માટે અન્ય જગ્યાએ ખસેડવા પડે તેના માટેની જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા તંત્રને સૂચનાઓ આપી હતી. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.