અમદાવાદ શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ, ઓઝોન થ્રી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ-ટુનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય.
જેના પરથી એર ક્વૉલિટી ઈન્ડેક્ષ નક્કી કરવામાં આવે છે. AQI એટલે કે એર ક્વૉલિટી ઈન્ડેક્ષ જો ૦થી ૧૦૦ સુધી હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવું માની શકાય. પરંતુ AQI જો ૧૦૦થી ઉપર જાય તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડું વધારે છે તેવું કહી શકાય. AQI જો ૨૦૦થી વધારે નોંધાય તો એવું માની શકાય કે હવામાં વધારે પ્રમાણમાં પ્રદૂષણ છે. તાજેતરમાં અમદાવાદનો AQI ૩૦૦ને પાર થયો છે. એનો સીધો મતલબ એવો થયો કે હવા પ્રદૂષણ મામલે અમદાવાદ શહેરે મુંબઈ અને નવી દિલ્હીને પણ પાછળ મૂકી દીધા છે.
રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરની હવા ખૂબ જ પ્રદૂષિત બની છે. કારણ કે અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૧૬ પર પહોંચ્યો છે. એટલે કે દિલ્હી અને મુંબઈ કરતા પણ અમદાવાદમાં હવા વધુ પ્રદૂષિત છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વૉલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. બોપલ અને રાયખડમાં AQI ૩૦૮ છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારનો AQI ૩૦૧ છે.