મુજીબ- ધ મેકિંગ ઑફ અ નેશનનું ટ્રેલર કાન ફેસ્ટિવલમાં થયું રિલીઝ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રી ડૉ. હસન મહમુદે આજે સંયુક્ત રીતે શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત, ભારત-બાંગ્લાદેશ સહ-નિર્માણ ફીચર ફિલ્મ ‘બંગબંધુ,’ મુજીબ – ધ મેકિંગ ઑફ એ નેશનનું ૯૦ સેકન્ડનું રસિક ટ્રેલર રિલીઝ કર્યું હતું.

આ પ્રસંગે પ્રેક્ષકોને સંબોધતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ ફિલ્મ, ભારત અને બાંગ્લાદેશનું સહ-નિર્માણ છે ત્યારે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ હતી. “આ ફિલ્મ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનજીની જન્મ શતાબ્દી પર ભેટ છે”, એમ મંત્રીએ ટિપ્પણી કરી. ફિલ્મનાં નિર્માણમાં થયેલા સંઘર્ષ અંગે ટિપ્પણી કરતા ઠાકુરે કહ્યું કે જ્યારે વિશ્વ કોવિડ મહામારી દરમિયાન પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ફિલ્મ પર કામ ચાલુ હતું. જ્યારે વિશ્વ વિવિધ પડોશી દેશો વચ્ચે ઝઘડો જોઈ રહ્યું છે, ત્યારે ઠાકુરે સારા પડોશી સંબંધોનાં ઉદાહરણ તરીકે આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મ દ્વારા બંને દેશો એકબીજાના કામને પૂરક બનાવે છે. મંત્રીએ આ પહેલ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના બંનેનો આભાર માન્યો હતો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ વર્ષે ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ હોવાથી અને માર્ચે ડુ ફિલ્મમાં ભારત કન્ટ્રી ઑફ ઑનર છે, ત્યારે ટ્રેલર રિલીઝ કરવા અને ભારત અને બાંગ્લાદેશની મિત્રતાને પ્રદર્શિત કરવા માટે આનાથી વધુ સારી તક બીજી કોઈ હોઈ શકે નહીં. તેમણે સમારોહમાં હાજરી આપવા બદલ સમગ્ર બાંગ્લાદેશ પ્રતિનિધિમંડળનો આભાર માન્યો હતો.

ડો હસન મહમુદે તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનનાં સંઘર્ષ, વેદના અને રાષ્ટ્ર નિર્માણ પર આધારિત છે. બંને દેશો વચ્ચેના સંબંધોને પૂરક બનાવતા તેમણે કહ્યું હતું કે બે પ્રધાનમંત્રીઓ શેખ હસીના અને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બાંગ્લાદેશ અને ભારતના સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શ્યા છે. “આ ફિલ્મ બંને દેશો વચ્ચેના સંબંધોની મજબૂતાઈ અને ઊંડાણનું પ્રદર્શન છે”, ડૉ. મહમુદે ઉમેર્યું. મંત્રીએ 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં સમર્થન આપવા બદલ ભારતની જનતાનો આભાર માન્યો હતો. મંત્રીએ એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશીઓ ભારતીય સૈનિકોનાં બલિદાનને હંમેશા યાદ રાખશે.

ફિલ્મ વિશે બોલતા, ડૉ. મહમુદે કહ્યું કે આ ફિલ્મ રાષ્ટ્રને આઝાદ કરાવવા માટે શેખ મુજીબનાં સંઘર્ષ, પીડા અને વેદના વિશે છે. “વિશ્વના લોકો જાણશે કે કેવી રીતે તેઓ ફાંસી સામે અડીખમ રહ્યા અને તેમણે કેવી રીતે એક નિઃશસ્ત્ર રાષ્ટ્રને સશસ્ત્રમાં પરિવર્તિત કર્યું અને મુક્તિ યુદ્ધનું નેતૃત્વ કર્યું. આવા મહાન લોકોનાં આખાં જીવનને ૩ કલાકમાં કેપ્ચર કરવું સહેલું નથી પણ ફિલ્મ બનાવનારી ટીમે ઘણું સારું કામ કર્યું છે.”, એમ તેમણે વધુમાં ઉમેર્યું.

રેકોર્ડેડ મેસેજમાં પોતાનો સંદેશ આપતાં, શ્યામ બેનેગલે કહ્યું કે, “ટ્રેલર બહાર પડી ગયું છે અને મને આશા છે કે દર્શકો તેની પ્રશંસા કરશે. આ ફિલ્મ માટે કામ કરવું એ એકદમ શાનદાર સફર હતી કારણ કે મને બેઉ દેશોના કલાકારો અને ટેકનિશિયનો સાથે કામ કરવાની તક મળી હતી અને ભારત અને બાંગ્લાદેશના પ્રધાનોનો તેમના ઉમળકાભેર સમર્થન માટે આભારી છું.”

 

અપૂર્વ ચંદ્ર, પ્રસારણ અને માહિતી સચિવ, ભારત, ફ્રાન્સ પ્રજાસત્તાકમાં ભારતના રાજદૂત જાવેદ અશરફ, ફ્રાન્સ પ્રજાસત્તાકમાં બાંગ્લાદેશના રાજદૂત ખોંડકર મોહમ્મદ તલ્હા ફિલ્મના કલાકારો સાથે આ પ્રસંગે હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *