દરેક વ્યક્તિને ચાની લિજ્જત માણવી ગમતી હોય છે. થોડા સમયનો આરામ મળ્યો નથી કે ચા પીવાનું બહાનું શોધી જ કાઢે છે. એવું માનવામાં આવે છે કે, વિશ્વમાં પાણી પછી ચા સૌથી વધારે પીવામાં આવે છે. દર વર્ષે ૨૧ મે એ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. ૨૧ ડિસેમ્બર ૨૦૧૯એ સંયુક્ત રાષ્ટ્રમાં આ અંગે એક દરખાસ્ત આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠને દર વર્ષે આજના દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.
ચા મુખ્યત્વે કેમેલીયા સિનેન્સિસ છોડમાંથી આવે છે, તે જંગલમાં ૬૦ ફૂટ સુધી ઉગે છે. જ્યારે લણણી માટે ચાની ખેતી કરાય છે, ત્યારે ચાની ઝાડીઓને લગભગ ત્રણ ફૂટ સુધી જ ઉંચી રાખવામાં આવે છે.
ચાની ઉત્પત્તિ ૫,૦૦૦ વર્ષથી પણ જૂની છે, પરંતુ આરોગ્ય, સંસ્કૃતિ અને સામાજિક / આર્થિક વિકાસમાં તેનું યોગદાન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. દુનિયાના નાના ખેડૂતો અને તેમના પરિવાર સહિત અંદાજે ૧૩ મિલિયનથી વધુ લોકોની રોજગારી ચા પર નિર્ભર છે.
ચાની ૩,૦૦૦ થી વધુ જાત છે, દરેકની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. ચાનું નામકરણ અને ચા ઉગાડવાની પ્રક્રિયા વિશિષ્ટ છે. ઘણી ચાના નામ પણ તેને જે વિસ્તારમાં ઉગાડવામાં આવે છે તેના પરથી રખાય છે. ઉદાહરણ તરીકે, આસામ ચાનું નામ ભારતમાં આસામ પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે. અને યુનાન ચાનું નામ ચીનના પ્રાંત પરથી રાખવામાં આવ્યું છે. ચા જ્યાં ઉગાડવામાં આવે છે ત્યાંની આબોહવા, જમીનની સ્થિતિ અને ચાની પ્રક્રિયા કેવી રીતે કરાય છે તેના પર તેના સ્વાદની લાક્ષણિકતાઓ નિર્ધારિત થાય છે.