પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટોક્યો ખાતેના ક્વાડ શિબર સંમેલનમાં ભાગ લેવા રવાના થશે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશીદાના આમંત્રણ પર ક્વાડ દેશોના નેતાઓના શિખર સંમેલનમાં ભાગલેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૩મી અને ૨૪મી મેના રોજ જાપાનની મુલાકાત લેશે. વિદેશ સચિવ વિજય મોહન ક્વાત્રાએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે, ક્વાડ સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન અને ઓસ્ટ્રેલિયા તથા જાપાનના પ્રધાનમંત્રી સાથે અલગ / અલગ દ્વિપક્ષીય બેઠકયોજશે.
યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોક્યોમાં જાપાનના ઉદ્યોગ જગત તથા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. ક્વાડ શિખર સંમેલન વિશે વિજય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે, ક્વાડ સહકાર, લોકશાહીના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાયદા, તેમજ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સ્વતંત્ર હિન્દ પ્રશાંત દ્રષ્ટિકોણ પર આધારિત છે.
વિજય મોહન ક્વાત્રાએ કહ્યું કે, પહેલા શિખર સંમેલન પછીથી ક્વાડ સમૂહ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા લાવવા તેમજ એક મજબૂત પ્રણાલી સાથે સકારાત્મક અને રચનાત્મક એજન્ડાને લાગુ કરવા કામ કરી રહ્યું છે. જેમાં જળવાયુ પરિવર્તન પર એક સાથે કામ કરવાનો મુદ્દો પણ સામેલ છે.
વધુમાં ક્વાત્રાએ કહ્યું કે, ટોક્યોમાં આગામી સંમેલનમાં અત્યારસુધીમાં થયેલી પ્રગતિની સમીક્ષા અને ભવિષ્યના દિશા-નિર્દેશ નક્કી કરવાની તક મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકન રાષ્ટ્રપ્રમુખ સાથેની દ્વિપક્ષી મંત્રણા બાબતે વિદેશ સચિવે કહ્યું કે, ભારત– અમેરિકાના સંબંધ બહુ આયામી તથા વૈવિધ્યપૂર્ણ છે.
વ્યાપાર, સુરક્ષા, જળવાયુ, શિક્ષણ અને ઊર્જા ક્ષેત્રે બંને દેશોના સહયોગ સતત વધતો રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે. વિદેશ સચિવે કહ્યું કે, ભારતના મહત્ત્વપૂર્ણ ભાગીદારોમાં જાપાન પણ એક છે અને પ્રધાનમંત્રીએ જાપાન અને ભારતને સ્વાભાવિક સહયોગી દેશ ગણાવ્યા છે. વિદેશ સચિવ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોક્યોમાં ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રીને મળે તેવી સંભાવના છે.