પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મહત્વપૂર્ણ યાત્રાએ છે. આ પ્રવાસની ખાસ વાત એ છે કે, પ્રધાનમંત્રી ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ચાર દેશોનું સંગઠન છે ક્વાડ શિખર સંમેલન. આ સિવાય ભારત અને જાપાનના સંબંધોને મજબૂતી આપવા માટે જાપાનના પીએમ ફુમિઓ કિશિદાની અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ઈવેન્ટમાં સામેલ થયા હતા.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત આ ફ્રેમવર્ક માટે તમામ સાથે મળીને કામ કરશે. તેમજ પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણી વચ્ચે ભરોસો, પારદર્શકતા, સમયનું પાલન હોવું જોઈએ. આ સાથે ઈન્ડો-પેસેફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સમૃધ્ધિનું માર્ગ પ્રશસ્ત કરશે. ઉલ્લેખનીય છે કે, IPEF દ્વારા અમેરિકા, ભારત સહિત અન્ય સભ્ય દેશો વચ્ચે એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પલાય ચેનમાં સુધારા જેવા મુદ્દે ભાગીદારી વધારવાનો ,આ પહેલનો ઉદ્દેશ છે. તો આ અગાઉ ટોકિયોના હનેડો એરપોર્ટ ખાતે અધિકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
છેલ્લાં આઠ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીની આ પાંચમી મુલાકાત છે. ખાસ વાત એ છે ,કે જાપાન મુલાકાત વખતે, પ્રધાનમંત્રી મોદી 40 કલાક જાપાનમાં રહીને ૨૩ જેટલી બેઠકોમાં ભાગ લેશે. તેમણે જાપાનની વિવિધ ૩૪ કંપનીના દિગ્ગજ સીઇઓ અને પ્રવાસી ભારતીયો સાથે સંવાદ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની હોટલ ખાતે પહોંચતાં સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી સ્વાગત કરવા આવેલા બાળકોને પણ મળ્યા હતા. એક બાળકને તેમણે ઓટોગ્રાફ પણ આપ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે ટોકિયો ખાતે દ્વિપક્ષી બેઠક યોજાઇ હતી. તેઓએ ભારત- અમેરીકા વચ્ચેના સંબંધો મજબુત બનાવવા પર ચર્ચા કરી હતી. તેમના પ્રારંભીક વક્તવ્યમાં બન્ને નેતાઓએ પરસ્પરના હિતોને વધુ ઊચાઇ પર લઇ જવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને અમેરીકાની વ્યુહાત્મક ભાગીદારી વિશ્વાસની ભાગીદારી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડને કોરોનાને પરાસ્ત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવાયેલા પગલાઓને બિરદાવ્યાં હતાં. તેમણે ભારત અને અમેરીકા વચ્ચેની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. બાયડને ભારત અમેરીકા વચ્ચેના વેકસીન એકસન પ્રોગ્રામને ફરી શરૂ કરવા પર ખુશી વ્યક્ત કરી હતી.