પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી આટકોટ ખાતે આવેલી માતુશ્રી કે.ડી.પી. મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા.
રાજકોટના આટકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કે.ડી.પરવાડિયા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું. આ હોસ્પિટલનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. આ હોસ્પિટલ વિવિધ પ્રકારની સારવાર માટે ઉચ્ચત્તમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને લોકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાર બાદ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધીત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “આજે જ્યારે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો મારું માથું નમીને ગુજરાતના દરેક નાગરિકનો આદર કરવા ઈચ્છું છું. તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી, સમાજ માટે જીવવાની વાત શીખવાડી, તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઈ કસર નથી છોડી.” આ સાથે ગુજરાતના વિકાસ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે, અભૂતપૂર્વ સ્પીડથી અભૂતપૂર્વ સ્કેલ પર આજે ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આગળ ધપી રહ્યું છે.
આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે, “૨૦૦૧ માં ગુજરાતમાં માત્ર ૯ મેડિકલ કોલેજો હતી અને ૧,૧૦૦ બેઠકો હતી, પરંતુ આજે રાજ્યમાં કુલ મળીને ૩૦ મેડિકલ કોલેજો છે અને મેડિકલ બેઠકો ૮,૦૦૦ને પહોંચી ગઈ છે. એક જમાનો હતો કે ઉદ્યોગની વાત આવે તો માત્રને માત્ર વડોદરાથી વાપી નેશનલ હાઈવે પર બંને બાજુ કારખાના દેખાતાં હતાં પણ આજે તમે ગુજરાતની કોઈ પણ દિશામાં જાઓ, નાના / મોટા કારખાનાઓ ઉદ્યોગો, પ્રવૃતિ પૂરજોશમાં ચાલી રહી છે.”