મહાનગરોમાં કંઇકને કંઇ વિકાસના કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યું છે. શહેરીજનોને સુવિધા આપવામાં સરકાર ક્યાંક કચાશ રાખવા માંગતી નથી. એટલે જ તો ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે તો કેટલા બધા વિકલ્પો ઉભા કરી દીધા. એએમટીએસ, બીઆરટીએસ , મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને પાછુ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ઓવરબ્રિજ નિર્માણ પામ્યા. ત્યારે રાજકોટમાં રાજ્યનો પહેલો સિક્સલેન રોડ બનાવાની જાહેરાત થઇ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે સૌરાષ્ટ્રનું દિલ જીતવામાં કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ બાદ હવે રાજ્યનો પહેલો સિક્સલેન રોડ રાજકોટમાં બનાવા જઇ રહ્યો છે. રાજકોટમાં કેકેવી ચોકથી અવધ સુધી ૪૫ મીટર પહોળો અને ૫ કિલોમીટર લાંબો રોડ બનશે. જે માટે ૧૨૦ મિલકતો કપાતમાં જશે.
મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની છે. ત્યારે રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે. અહીં કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ ૩૦ મીટર છે, જેમાં ૧૫ મીટરનો વધારો કરી ૪૫ મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.
રોડની પહોળાઇ વધારવા માટે કપાતમાં જતા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે. વાંધા અરજી માટે સમય પણ આપવામાં આવ્યો છે. રોડની પહોળાઇ વધારવામાં લગભગ ૧૨૦થી વધુ મિલકતો કપાતમાં થશે, જેને વૈકલ્પિક જગ્યા આપવી, વધારાની FSI આપવી અથવા રોકડ સહિત વળતરના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે.મોટામવાનો રાજકોટ શહેરમાં સમાવેશ થતા હવે આ કામ રાજકોટ મનપા દ્વારા કરવામાં આવશે. હાલમાં કેકેવી હોલ અને જડ્ડુસ હોટલ ચોક બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે પૂર્ણ થયા પછી જ રોડની પહોળાઇ વધારવાનું કામ શરૂ કરવામાં આવશે.