હાર્દિક પટેલ આગામી ૨ જૂનના રોજ સી.આર પાટીલ અને સીએમની હાજરીમાં કેસરિયા કરશે?

હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોને હવે અંત આવશે. કારણ કે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે.  ૨ જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે.

હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા અંગે ખુદ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે,  હાર્દિક પટેલ ૨ જૂને ગાંધીનગરના કમલમ ખાતેથી ભાજપમાં જોડાશે. ભાજપની વિચારધારાથી પ્રેરાઈને હાર્દિક અને તેના સાથી જોડાશે. સરકારની કામગીરીથી પ્રભાવિત થઈને હાર્દિક ભાજપમાં જોડાશે. ૨ જૂને બપોરે ૧૨:૦૦ વાગ્યે તેમના સમર્થકો સાથે હાર્દિક ભાજપમાં જોડાશે. અગાઉ આદિવાસી અને OBC નેતાઓ પણ જોડાયા હતાં. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને નીતિન પટેલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે  એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ.

હાર્દિક પટેલે ખાસ કરીને ભાજપના મુદ્દાઓ પર નરમ વલણ દર્શાવ્યું હતું. રામ મંદિર અને કલમ ૩૭૦નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જનતા આ મુદ્દાઓને પસંદ કરે છે અને ભાજપને જીતાડે છે એમાં સ્વીકાર કરવો રહ્યો. જનતાનો મૂડ આ જ છે અને જનતાનો મૂડ જે હશે તે તરફ જ હું નક્કી કરવાનો છું. હાર્દિકના આ નિવેદનથી સંકેત એ જ દેખાઈ રહ્યો છે કે આગામી સપ્તાહ સુધીમાં પાટીદાર નેતા કેસરિયો ધારણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *