ગઈકાલે રાત્રે કોલકાતાની વિવેકાનંદ કોલેજમાં એક લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં બોલીવુડના જાણીતા ગાયક કેકે પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી. તબિયત ખરાબ થતાં કેકેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ત્યાં હાજર તબિબોએ કેકને મૃત જાહેર કર્યા હતા. કૃષ્ણકુમાર કુન્નથ (KK)ની ઉંમર ૫૩ વર્ષ હતી. કેકેના નિધનથી સંગીત જગતને મોટી ખોટ પડી છે.
કેકેએ હિન્દી સહિત વિવિધ ભાષાઓના ગીતોમાં તેમનો સ્વર આપ્યો છે. એ.આર.રહેમાને કે. કે.ને એક તમિલ ફિલ્મમાં ગીત ગાવાની તક આપી હતી. તેમણે ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના ગીત -તડપ તડપ કે દિલસે આહ નિકલતી રહી- ગીતથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. દિલ્હીમાં જન્મેલા કે. કે. હિંદી, તમિલ, કન્નડ, તેલુગુ, બંગાળી,મરાઠી, આસામી અને ગુજરાતી ભાષામાં પણ અનેક ગીત ગાઇ ચુક્યા છે. તેમણે કદી સંગીતનું વિધિવત શિક્ષણ નહોતું લીધું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને સંગીત જગતમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.