ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પોતાના રાજકીય જીવનને લઇને સૌથી મોટી જાહેરાત કરી છે. ભરતસિંહએ જણાવ્યું કે ( ‘હું આ પ્રત્યક્ષ સક્રિય રાજકારણમાંથી બ્રેક લઈ રહ્યો છું. ) ચૂંટણી તો ૨૦૨૨ના અંતમાં આવવાની છે પણ હાલમાં તો મેં શોર્ટ ટાઇમનો બ્રેક લીધો છે કે જે ૨ મહિના ૩ કે, ૪ , ૬ મહિનાનો પણ હોઇ શકે. ( પણ હું વિરામ લઈ રહ્યો છું )
આ મારો પોતાનો અંગત નિર્ણય છે નહીં કે કોંગ્રેસ હાઇકમાન્ડનો. મારે કોઇ હાઇકમાન્ડના નેતા સાથે વાતચીત થઇ નથી. પણ આ જે બધા વાદળો ઊભા થયા છે અને થઇ રહ્યાં છે તે વાદળને ઠરવા દેવા.’ તેમણે એમ પણ કહ્યું હતું કે સક્રિય રાજકારણમાંથી બ્રેક લઉં છું પરંતુ સમાજના લોકો સાથે પ્રવાસ કરીશ અને કોંગ્રેસને જ્યાં જરૂર હશે ત્યાં પણ ઊભો રહીશ. ગુજરાતમાં ચૂંટણી મુદ્દે તેમણે કહ્યું હતું કે હજુ તો ચૂંટણીને ૬ મહિના જેટલો સમય બાકી છે. હાલ પૂરતો બ્રેક લઉં છું અને પછીથી સક્રિય પણ થઈ જઈશ. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પહેલા ભરતસિંહ સક્રિય રાજકારણમાં પરત ફરશે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો બુધવારના રોજ વાયરલ થયો હતો. જેમાં ભરતસિંહના ઘરે અન્ય યુવતી જોવા મળતા પત્ની રેશ્મા પટેલે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્નીનું નામ લીધા વિના ખુલાસો કરતા કહ્યું કે, ‘મીડિયામાં આવી જવાથી કોઈ વાતનો નિકાલ આવવાનો નથી એટલે મે એવું વિચાર્યું કે ઘરની વાત ઘરમાં રહે. લગ્નજીવનમાં સમસ્યાવાળા દેશમાં કેટલાંય કુટુંબો છે. મારા નોકર-ચાકર અને મારા કાર્યકર્તાને મારા વર્તન વિશે પૂછી શકો છો. મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ. એમણે હંમેશા મારી મિલકતની જ ચિંતા જ કરી છે અને હું ક્યારે મરી જાઉં એની જ એ ચિંતા કરે છે. મારી વિરૂદ્ધ દોરા-ધાગા પણ કરવામાં આવ્યાં. મને એમ લાગ્યું કે મારા જીવને જોખમ છે ત્યારે મે નોટિસ આપી કે હું એમની સાથે નથી. આખા ગુજરાતમાં પૂછી લો કે મારો સ્વભાવ કેવો છે, મને કોઈ ગાળ બોલે તો પણ હું એક કરોડ રૂપિયા આપવા તૈયાર છું.’ પત્ની રેશ્મા પટેલ સાથે ચાલી રહેલા વિવાદને લઇને નામ લીધા વિના ગંભીર આક્ષેપો કરીને ભરતસિંહે એમ પણ કહ્યું કે, ‘તેમને બસ મારી પ્રોપર્ટીમાં જ રસ છે.’
અને મારી પત્ની રેશ્મા ‘હોસ્પિટલમાં આવીને મને કહ્યું હતું કે મારી પ્રોપર્ટીનું શું? મારી કાર વેચી દઇને મારા ડ્રાઇવરને છુટ્ટો કરવામાં આવ્યો. મારી પત્નીને માત્ર મારી મિલકત અને નાણામાં જ રસ છે. મારા ભોજનમાં અને ચામાં પણ કંઇક નાખવામાં આવતું. બધાને લાગે છે કે મેં કાઢી મૂક્યા પણ હકીકત છે કે એ મારા ઘર પર કબજો કરીને રહે છે અને હું જૂના ઘરમાં રહું છું. ૨૯-૩થી તે ત્યાં રહે છે. હું એ યુવતી સાથે આઈસક્રીમ ખાવા ગયો હતો. મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. સત્ય ક્યારેય છુપું રહેતું નથી. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. મારે ત્રીજા લગ્ન પણ કરવા છે.’