કોરોના અપડેટ: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં સામે આવ્યા ૪ હજારથી વધુ કોરોના કેસ

દેશમાં કોરોનાના કેસ ની સંખ્યા દિવસેને દિવસે વધતી દેખાઈ રહી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના ૪,૦૪૧ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨,૩૬૩ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણથી ૧૦ લોકોના મોત થયા છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૧,૧૭૭ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૨૬,૨૨,૭૫૭  લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. જયારે દેશમાં રિકવરી રેટ ૯૮.૭૪ % છે. તો કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં ૫,૨૪,૬૫૧ લોકોના મોત થઈ ચુક્યા છે.

ત્રણ મહિના પછી રોજના કેસ ચાર હજારને પાર કરી ગયા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગુરુવારે દેશમાં કોરોનાના કેસોમાં ૩૫.૨ %નો વધારો થયો હતો.

મુંબઈમાં ૧૭ દિવસ બાદ કોરોનાથી એક મોત થયું છે. મુંબઈની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે અનુરોધ કર્યો હતો કે, જો રાજ્યના લોકો અગાઉની જેમ પ્રતિબંધોનો સામનો ન કરવા માંગતા હોય તો માસ્ક પહેરવું અને કોવિડના નિયમોનું પાલન કરવું. મહત્વનું છે કે, મહારાષ્ટમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪,૫૫૯ છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૦ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી ૨૫ દર્દીઓ સાજા થયા છે. જોકે, સારા સમાચાર એ છે કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. સાથે જ રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ % થઈ ગયો છે. રાજ્યમાં હાલ કોરોનાના ૨૫૪ એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. બધા જ ૨૫૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૦૯૪ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે કોરોના વાયરસને કારણે ગુજરાતમાં કુલ ૧૦,૯૪૪ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *