અમદાવાદ: ગાયક કલાકાર હોમગાર્ડ સાથે મળીને કરતો હતો ચોરી

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક બિલ્ડરની સ્કીમના સેમ્પલ હાઉસમાંથી ફ્રીઝ સહિત અન્ય વસ્તુઓની ચોરી થઈ હતી. આ કેસમાં નારોલ પોલીસે કાર્યવાહી કરતા બે લોકોની ધરપકડ કરી છે. નારોલ પોલીસે કાર્યવાહી કરતા એક હોમગાર્ડ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે. હકીકતમાં આ કેસ મામલે નારોલ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને માહિતી મળી હતી કે આ ગુનાના આરોપીઓમાંનો એક હોમગાર્ડ પણ છે. જે બાદમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં બંનેએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી દિનેશ દરોગાએ તેના મિત્ર ગુંજન પરીખ સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો. એવી પણ વિગત સામે આવી છે કે આરોપી દિનેશ પોતે ગાયક કલાકાર છે.

પોલીસે વધુ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે આરોપી દિનેશ પહેલા કાગડાપીઢ વિસ્તારમાંથી એક લોડીંગ રિક્ષાની ચોરી કરી હતી. ત્યાર બાદ બંને આરોપીઓ નારોલ વિસ્તારમાં એક બિલ્ડરની સ્કીમ ચાલી રહી હતી તેના સેમ્પલ હાઉસમાંથી ફ્રીઝ સહિતની અન્ય વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિનેશ અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને તે રીઢો આરોપી છે. મહત્ત્વની વાત એ છે કે આરોપી એક ગાયક કલાકાર પણ છે. જે અલગ અલગ જગ્યાએ ગીતો ગાવા જતો હોવાની માહિતી પણ સામે આવી છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ લોકો અગાઉ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યા છે? આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ? આ લોકો ચોરીના મુદ્દામાલને કોને વેચવા હતા? વગેરે બાબતો અંગે પોલીસે બંને આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *