ગુજરાતના શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્થાન મળે પરંતુ ગુજરાતના એવા ઘણા મહાનગરો છે જે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા નંબરે આવવા છતાં પણ ત્યાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આ વાત છે સુરતની. સુરતમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે મૂળ સુરતના ગૃહરાજ્ય મંત્રીએ ગંદકીને લઇને મહિલાઓએ ફરિયાદ કરતા કડકાઇ દર્શાવી હતી અને મહિલાઓને ધોકો લઇને બેસવાની સલાહ આપી.
સુરતના સુમન આવાસ ખાતે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. ત્યાં આવતાની સાથે જ હાજર જનમેદની તેમનુ અભિવાદન કરવા લાગી પરંતુ મહિલાઓ તેમની પાસે ગંદકીની ફરિયાદ લઇને પહોંચી ગઇ હતી. આવાસમાં ઠેર ઠેર પાનની પિચકારીઓને કારણે ગંદકી થતી હોવાની ફરિયાદ હર્ષસંઘવીને કરી હતી . આ મામલે ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને એક્શનમાં આવવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે ” બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોઇ પિચકારી મારશે ? બધી બહેનો ભેગી થઇને નીચે બેસો હાથમાં દંડો લઇને. કોઇ ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, એ બિલ્ડીંગની બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે”
હર્ષ સંઘવી વધુમાં જણાવ્યુ કે તમે એકલા એકલા વાત કરોને તો કંઇ નહી થાય, બધાએ ભેગા થઇને બેસશોને તો ડરશે. કારણ કે એતો બધા વાતો કરે પણ ડરે બધા. આવુ બોલતા જ સૌ કોઇ હસવા લાગ્યા હતા. તેમજ પાન મસાલાની પિચકારીઓથી પરેશાન મહિલાઓને ફ્લેટની નીચે ધોકો લઇને જ બેસવાનું કહ્યું. ધોકો બતાડશો ને એટલે બિલ્ડિંગની બહાર ભાગશે તેમ જણાવીને મહિલાઓને પોતાની સમસ્યાનો ઉકેલ જણાવ્યો હતો. સાથે જ અન્ય ફરિયાદોના ઉકેલ માટે પણ આશ્વાસન આપ્યુ હતું અને કહ્યું કે જો કોઇ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો.