દેશમાં કોરોનાના કેસમાં થયેલા આંશિક ઘટાડા બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે કુલ સક્રિય કેસોમાં પણ વધારો થયો છે. આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭,૨૪૦ કેસ નોંધાયા છે. સાથે જ ૩,૫૯૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮ દર્દીઓના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૫,૨૪,૭૨૩ દર્દીઓના મોત થઈ ચુક્યા છે અને ૪,૨૬,૪૦,૩૦૧ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. હાલ દેશમાં કુલ ૩૨,૪૯૮ સક્રિય કેસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩,૪૦,૬૧૫ દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ૮૫.૩૮ કરોડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના રસીના ૧૫,૪૩,૭૪૮ ડોઝ ડોઝ આપવામાં આવ્યા હતા. તેની સાથે જ દેશનો કુલ રસીકરણ આંક ૧૯૪.૫૯ કરોડથી વધુ રસીના ડોઝ પર પહોંચ્યો છે.
ગઈકાલે ગુજરાતમાં પણ કોરોનાના રોજના કેસમાં વધારો નોંધાયો હતો. લાંબા સમય પછી કોરોનાના નવા કેસ ૧૦૦ને પાર પહોંચ્યા છે. રાજ્યમાં બુધવારે કોરોનાના નવા ૧૧૧ કેસ નોંધાયા છે. તો ૨૯ દર્દી સાજા થયા છે. અમદાવાદમાં ૫૦, વડોદરામાં ૨૫, સુરતમાં ૧૦, રાજકોટમાં ૯, ગાંધીનગર અને વલસાડમાં ૫ – ૫, જામનગરમાં ૩, આણંદમાં ૨, તથા મહેસાણા અને મોરબીમાં ૧ – ૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૪૬ હજાર ૩૪૭ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૪૪૫ છે. તો, બીજી તરફ રાજ્યમાં કેસ વધતા મનપા દ્વારા અમદાવાદમાં એસટી અને રેલવે સ્ટેશન ઉપર ટેસ્ટીંગની કામગીરી વધારી દેવામાં આવી છે.