ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકારના જાહેર સાહસના વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી આજથી શરુ થઇ છે. સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (DPE) ૯ થી ૧૨ મી જૂન, ૨૦૨૨ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય કાર્યક્રમોમાં ‘રાષ્ટ્ર નિર્માણ અને CPSEs’ પરનું ભવ્ય પ્રદર્શન છે. આ પ્રદર્શન આત્મનિર્ભર રાષ્ટ્ર તરફ CPSEsના યોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાણામંત્રી, નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું હતું.
૧૦ થી ૧૨ જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. નાણા મંત્રાલયનાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસના સંયુક્ત સચિવ સંજય કુમાર જૈને ગાંધીનગરમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો,અમદાવાદ દ્વારા આયોજીત પત્રકાર પરિષદને સંબોધતાં આ માહિતી આપી હતી. નાણાં મંત્રાલયનાં ૬ થી ૧૨ જૂન સુધીનાં આઇકોનીક સપ્તાહની ઉજવણીના ભાગરુપે યોજાઇ રહેલ આ પ્રદર્શનની સાથે ‘આત્મનિર્ભર ભારત માટે CPSEsની ભૂમિકા’ પર ચર્ચા કરવા માટે CEO-ગોળમેજીનું આયોજન કરવામાં આવશે. ૩૦ થી વધુ CPSE ના CMD ૦૯મી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ વર્કશોપ, CPSEsની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી, સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પર ચર્ચા વગેરે આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપનો ઉદ્દેશ્ય તમામ હિતધારકોને એક મંચ પર એકસાથે લાવવાનો અને ભવિષ્યની કાર્યવાહીમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના બનાવવાનો છે.