ગુજરાતની વધુ એક સિદ્ધિ, ‘સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ-૨૦૨૧-૨૨’માં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને

ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા આપવામાં આવતા ‘‘સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ’’માં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૭.૫૦ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે નવી દિલ્હી ખાતેથી ગુજરાતને એવોર્ડ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતે ૨૦૨૦-૨૧ ના સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ૭૨ ટકા મેળવીને દેશનાં મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના “Eat Right Challenge”માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી ૭૫ જિલ્લા-શહેરોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી ગુજરાતના ૫ શહેરો અને ૧૯ જિલ્લાઓ એમ કુલ-૨૪ જિલ્લાઓ-શહેરો સાથે ગુજરાતે Eat Right Challengeમાં પ્રથમ સ્થાન જ્યારે વડોદરા શહેરે સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ‘‘સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ’’માં બેવડી સિદ્ધિ હાંસલ કરી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

 

કમિશનરે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાનાં ક્રમ આપવામાં આવે છે. આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ તમામ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે. ગુજરાતે આ અગ્રતા ક્રમ સતત ચોથા વર્ષે પણ જાળવી રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *