ભગવાન જગન્નાથ આ વખતે ભક્તો સાથે નગરચર્યાએ નીકળવાના છે એટલે તંત્ર સુરક્ષામાં કોઇ કમી રાખવા માંગતુ નથી. ત્યારે હવે આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતમાં આતંકી હુમલાની ધમકી આપતા પોલીસ હાઇએલર્ટ થઇ ગઇ છે. ૧ જુલાઇના રોજ રથયાત્રામાં સુરક્ષાની સ્હેજ પણ કમી ન રહી જાય તે માટે પોલીસે ચાંપતી વ્યવસ્થા ગોઠવી છે.
ડીસીપી ક્રાઇમ બ્રાંચ ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ૧ હજારથી પણ વધારે કેમેરા રાખવાનું પ્લાનિંગ છે. જેમાં બોડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા પણ હશે. આ વખતે રથયાત્રામાં આધુનિક ઇક્વિપમેન્ટના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. રથમાં જીપીએસ સિસ્ટમ હશે. આ ઉપરાંત ડ્રોનથી ચોતરફ નજર રાખવામાં આવશે. જો કે ડ્રોન સાથે તાલીમ પામેલ વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરવા વિચારણા કરી રહી છે. જે રથયાત્રાના માર્ગ પર હવાઈ નિરીક્ષણ કરશે.
આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલો કરવાની ધમકી આપી છે. જે બાદ અરવલ્લી પોલીસ સતર્ક થઇ છે. અરવલ્લીના SPએ ધમકીને લઇ પોલીસ અને SOGને તપાસના આદેશ આપ્યા છે. SPએ પેટ્રોલિંગ વધારવા, શંકાસ્પદ લોકો પર નજર રાખવા અને ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપ્યો છે. સાથે ગુજરાત / રાજસ્થાન બોર્ડર પર સધન ચેકિંગ કરવા પણ આદેશ આપ્યા છે.
અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫ મી રથયાત્રાને લઇને પોલીસે રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડજી મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું. મોસાળથી પરત નિજ મંદિર સુધી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો દ્વારા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.