અમદાવાદ: એસજી હાઈવેના તમામ બ્રિજ પર હવે ‘તીસરી આંખ’ વોચ રાખશે

એસજી હાઈવેના તમામ બ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાનો મેગા પ્રોજેક્ટઃ સીસીટીવી ન હોવાથી અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને પકડવા પોલીસ માટે મોટો પડકાર

ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર આવેલા સોલાબ્રિજ પર એક ભયાનક અકસ્માત થયો હતો. લગ્નના બે મહિનાની ઉજવણી કરીને દંપતી પોતાના ઘરે ટુવ્હીલર પર જતું હતું ત્યારે સોલાબ્રિજ પર પુરઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ ઊછળીને સીધાં બ્રિજની નીચે પડ્યાં હતાં અને તેમનાં કરુણ મોત થયાં હતાં. સોલાબ્રિજ પર બનેલી આ કમકમાટીભરી ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે અને બ્રિજ પર સીસીટીવી કેમેરા કેટલા જરૂરી છે તેનું ભાન થયું છે. એસજી હાઇવેના તમામ બ્રિજને સીસીટીવી કેમેરાથી કવર કરવા માટે ટ્રાફિક પોલીસે એક મેગા પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે.

સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો હાઇવે શહેરનો સૌથી વિકસિત અને સમૃદ્ધ વિસ્તાર કહેવામાં આવે છે, જ્યારે સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે અને યંગસ્ટર પણ લોંગડ્રાઇવ પર જવા માટે આ રોડની પસંદગી પહેલી કરે છે. સૌથી વિકસિત એવો એસજી હાઈવે ટેક્નોલોજીના મામલે એકદમ પછાત છે તેમ કહેવું યોગ્ય છે, કારણ કે ૧પ કિલોમીટરના આ હાઇવે પર માત્ર પાંચ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે, જે ઓવરબ્રિજના કારણે ઢંકાઈ જાય છે.

ટ્રાફિકના જોઇન્ટ પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું છે કે એસજી હાઈવે પરના તમામ બ્રિજને આવરી લેવાય તે રીતે હાઇડે‌િફનેશન અને નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનં પ્લા‌િનંગ કરી દીધું છે. નેશનલ હાઇવે ઓથો‌િરટી સાથે વાતચીત ચાલી રહી છે, જે બાદ એસજી હાઇવેને સીસીટીવી કેમેરાથી કવર કરી લેવામાં આવશે. જ્યારે પણ ‌હીટ એન્ડ રનની ઘટના બને ત્યારે સીસીટીવીના આધારે પોલીસ તેના મૂળ સુધી પહોંચી શકે તેવી રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

એસજી હાઈવે પર અવારનવાર અકસ્માત તેમજ બીજા અનેક ગુના પણ બની રહ્યા છે, જેના મૂળ સુધી પહોંચવા માટે પોલીસને ઓફિસ, મોલ, રેસ્ટોરાં બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદ લેવી પડે છે. ગુનેગારોને પકડવા તેમજ ગુનાના મૂળ સુધી પહોંચવા સીસીટીવી  કેમેરા વધુ ને વધુ ઉપયોગમાં આવી રહ્યા છે. સીસીટીવી પોલીસ માટેનું ત્રીજું નેત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *