અમદાવાદ શહેર માં અકસ્માતોની વણઝાર વચ્ચે કોરોના વાયરસે પણ ફરી એક વખત માથુ ઉચક્યું છે ત્યારે તકેદારીના ભાગ સ્વરૂપે અને રોડ પર બેફામ વાહન હંકારતા ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવ ચલાવશે. આ અંતર્ગત ૧૫ જૂનથી ૨૧ જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલશે. જેમા અંડરએજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે સાથે જ ડાર્ક ફિલ્મવાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં અકસ્માત સર્જી ભાગી છૂટનારા વાહનચાલકો જેમના વાહનોમાં એચએસઆરપી પ્લેટ નથી લગાવી તેઓની હવે ખેર નથી, સાથે જ શહેરમાં જે લોકો ફોર વ્હીલમાં બ્લેક ફિલમ લગાવી ફરી રહ્યા છે તેમને પણ મસમોટો દંડ ફટકારી કાયદાનું ભાન કરાવવામાં આવશે. સાથે જ જે વાહનચાલકો રોંગસાઇડમાંથી પસાર થશે તેઓને ૧,૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એચએસઆરપી નંબર પ્લેટ નહીં લગાવનારા વાહનચાલકો પાસેથી ૧,૦૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે. તેમજ બસ અને મોટા વાહન ચાલકોને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
૧૫ જૂનથી શહેરમાં ૧૦૦ જેટલા સ્થળો પર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને જે વાહનચાલકો નિયમોને તોડશે તેમને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવેલી કાર્યવાહીની માહિતી ઉપરી અધિકારીઓને મોકલવામાં આવશે.