પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાને આપશે મોટી ભેટ, ૧૦૦ એકર જમીનમાં નિર્માણ થનારી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી પાણી વિતરણ સંબંધિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે. છેલ્લા બે મહિનામાં પ્રધાનમંત્રીની આ ચોથી ગુજરાત મુલાકાત હશે, જ્યાં તેઓ વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે.
નવા કેમ્પસમાં એકસાથે ૨,૫૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકશે
ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા ૭૪૩ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે ૧૦૦ એકર જમીન ફાળવી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ આપણી નવી યુવા પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપશે, સાથે સાથે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ તકો પણ પ્રદાન કરશે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, ટેકનિકલ શિક્ષણથી લઈને સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન સેક્ટર સુધી, પ્રધાનમંત્રીએ શિક્ષણનો ૩૬૦ડિગ્રી વિકાસ કર્યો છે. થોડા મહિના પહેલા જ પ્રધાનમંત્રીએ રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપીને ગુજરાતને મોટી ભેટ આપી હતી.”
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રમાશંકર દુબેએ આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, “આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થશે. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ સંપૂર્ણપણે રહેણાંક, ગ્રીન કેમ્પસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જ્યાં અઢી હજાર વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરી શકશે.”
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. એચ. બી. પટેલે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “યુનિવર્સિટીના નવા કેમ્પસમાં ૫ મુખ્ય શૈક્ષણિક બ્લોક્સ હશે, જેમાં સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સ, લાઇફ સાયન્સ, નેનો સાયન્સ, એન્વાયર્નમેન્ટલ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એપ્લાઇડ મટિરિયલ્સ સાયન્સ, રાષ્ટ્રીય સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધ અને પ્રવાસી અધ્યયન જેવા વિશેષ વિષયોને આવરી લેવામાં આવશે. પ્રયોગ શાળાઓ અને તમામ લેક્ચર હોલ આંતરરાષ્ટ્રીય કક્ષાના અને આધુનિક સાધનોથી સજ્જ હશે.”