જીતુ વાઘાણીએ કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘૨૦૨૩માં ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હશે. એટલે જાન્યુઆરીમાં LDના જલસાના કાર્યક્રમમાં પાછા આવીશું.’ આજ રોજ ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં LD કોલેજનો કાર્યક્રમ યોજાયો.
LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ. ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન હોલ ખાતે ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યાં હતાં.
LD ઇજનેરી કોલેજના ૭૫ વર્ષ ઉજવણી અવસરે રાજ્ય સરકારે કોલેજને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ‘૨૦૨૨-૨૩ના વર્ષથી કોલેજમાં બે નવી ફેકલ્ટી શરૂ કરાશે. રોબોટિક ઓટોમેશન અને આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ નવી ફેકલ્ટી કાર્યરત થશે.’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઇજનેરી શાખામાં ઉચ્ચ શોધ સંશોધનને વેગ આપવા આ કૉલેજની અદ્યતન લેબ માટેની અગાઉની રૂપિયા ૧૦ કરોડની ગ્રાન્ટ પણ પુનઃજીવિત કરી આપવાનો નિર્ણય કર્યો છે.’