શિવસેનાના વધુ ૩ ધારાસભ્યો સાથે ૫ અપક્ષ MLA આજે સુરત આવશે !
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે એક બાદ એક શિવસેના અને સીએમ ઉદ્ધવ ઠાકરેને આંચકા લાગી રહ્યા છે. ત્યારે હવે સૌથી મોટો ઝટકો શિવસેના લાગવા જઈ રહ્યો છે. વધ્યા ઘટયા ધારાસભ્યો પણ એકનાથ શિંદેના સમર્થન કરી રહ્યા હોય તેવુ જણાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિવસેનાના વધુ ૩ ધારાસભ્યો સાથે ૫ અપક્ષ MLA આજે રાત્રે સુરત આવશે જ્યાંથી ચાર્ટર પ્લેન દ્વારા તેઓ ગુવાહાટી જવા રવાના થશે.
શિવસેનાના ૧ MLC અને ૫ ધારાસભ્યો સુરતથી ચાર્ટર પ્લેન દ્વારા ગુવાહાટી જવા રવાના થયા છે. દૂતના રૂપે સુરત આવેલા સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટકે પણ શિવસેના છોડી હોય તેવો અંદેશો મળી રહ્યો છે. ચાર્ટરમાં ૬ લોકોનું લિસ્ટ સામે આવ્યું છે જેમાં સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટક પણ ગુવાહાટી જવા રવાના થયા છે જે સ્પષ્ટ સૂચવે છે કે શિવસેનાએ મોકલેલા દૂત પણ હવે એકનાથ શિંદેની પડખે થઈ ગયા છે. હોટેલ લા મેરેડિયનમાંથી ૬ સભ્યોને મેરિયેટ હોટેલમાં શિફ્ટ કરાયા હતા. જે બાદ ગુરુવારની મોડી સાંજે તેમણે ચાર્ટર પ્લેન દ્વારા ગુવાહાટી શિંદે પાસે મોકલી દેવામાં આવ્યા છે.
એકનાથ શિંદે બળવો કરી સુરતની હોટલ ધારાસભ્યો સાથે રાતોરાત આવી ગયા હતા. ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટકને એકનાથ શિંદેને મનાવવા મોકલ્યા હતા. જ્યાં મેરિડિયન હોટલમાં તેમની ૧ કલાક કરતાં વધુ બેઠક ચાલી રહી હતી. પણ મનાવવા આવેલા દૂતોને શિંદેએ તેમની પડખે કરી લીધા હતા. તે સમયે તો શિંદેની શરતો લઈ સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટક પરત ફર્યા હતા. પણ બાદમાં મોટી સંખ્યામાં બળવો જોતાં તેમણે પણ પડખું ફેરવી લીધું છે. ગુરુવારે સાંજે ગુવાહાટી માટે ઉડાન ભરેલા ચાર્ટર પ્લેનમાં તેઓ પણ ગયા છે. જે સીધો સંકેત આપે છે કે શિવસેના પર ચારેયકોરથી માઠી બેઠી છે. ફરી શિવસેનાના વધુ ૩ ધારાસભ્યો તેમણે ટાટા બાય બાય કહી શિંદેને ટેકો જાહેર કરી શકે છે.
બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખ્યો પત્ર
મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ મચેલી છે એવામાં બળવાખોર ધારાસભ્યોનું ગ્રૂપ ગુવાહાટીમાં એક હોટલમાં રોકાયેલું છે જ્યાં તેમણે એકનાથ શિંદેને પોતાનાં નેતા તરીકે પસંદ કરી લીધા છે.શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક અને પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની નિમણૂક અંગે ફરી રજૂઆત કરી હતી. જો કે શિવસેના અને સરકાર માટે ચિંતાની બાબત એ છે કે ૩૭ ધારાસભ્યોએ આ પત્રમાં સહી કરી દીધી છે.