મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી એ ઉદ્ધવ ઠાકરે સરકારને કાલે એટલે કે ૩૦ તારીખે ફ્લોર ટેસ્ટ માટે બોલાવ્યા છે. એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો ગોવાહાટીથી ગોવા શિફ્ટ થશે.
બીજી તરફ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યોએ ગુવાહાટીમાં આવેલા પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. એકનાથ શિંદેએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા પછી કહ્યું કે તે મહારાષ્ટ્રની શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરવા આવ્યા છે. ફ્લોર ટેસ્ટ માટે કાલે મુંબઈ જઇશ અને બધી પ્રક્રિયાઓનું પાલન કરીશ.
પહેલા ૮ અપક્ષ ધારાસભ્યોએ આધિકારિક ઇ-મેઇલ આઈડીથી રાજ્યપાલને ઇ-મેઇલ મોકલીને ઝડપથી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. આ પછી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ પાસે આવી જ માંગણી કરી હતી.
રાજ્યપાલ સાથે મુલાકાત પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યપાલ જી ને અમે કહ્યું છે કે રાજ્યની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ૩૯ ધારાસભ્યો શિવસેનામાંથી બહાર છે અને સ્પષ્ટ છે કે તે સરકારમાં રહેવા માંગતા નથી. અમે રાજ્યપાલને જી ને કહ્યું છે કે સરકાર અલ્પમતમાં જોવા મળે છે તેથી તાત્કાલિક આદેશ આપો કે મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટમાં પોતાની બહુમતિ સાબિત કરે.