રાજસ્થાનના ઉદેપુરમાં કનૈયાલાલની હત્યા મામલે સમગ્ર રાજસ્થાનમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતથી રાજસ્થાન પ્રવાસે જતા મુસાફરોને તકલીફનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ ચકચારી ઘટનાને પગલે તકેદારીના ભાગરૂપે રાજસ્થાન જતી બસો રોકી દેવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને શામળાજીથી ઉદેપુર જતી બસો રોકી દેવામાં આવી છે. આથી જો શ્રીનાથજીથી ઉદેપુર જવાનો કોઇ પ્લાન હોય તો હમણા રહેવા દેજો, કારણ કે હાલમાં આ ઘટનાને પગલે શામળાજી બસ સ્ટેશનમાં રાજસ્થાન જતી તથા નાથદ્વારા, ઉદેપુર તરફ જતી બસો શામળાજી રોકી દેવામાં આવી છે.
ઉદેપુરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં ૨૪ કલાક સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. તો બીજી તરફ હત્યાના વિરોધમાં બીજેપી અને વેપારી મંડળો દ્વારા આજે રાજસ્થાન બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. તણાવભર્યો માહોલ જોતા પ્રશાસને વધુ એક દિવસ કર્ફ્યૂ લંબાવી દીધુ છે જે આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી લાગુ પડશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ સેવા પણ બંધ રહેશે.
મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ, સીએસ, ડીજીપી અને અન્ય અધિકારીઓ ઉદયપુર આવશે અને કન્હૈયાલાલના પરિવારના સભ્યોને મળશે. ઉદયપુરના એડીએમ ઓપી વીવરે જણાવ્યું કે બુધવારે બે શિફ્ટમાં લેબ આસિસ્ટન્ટની પરીક્ષા હતી, તેથી થોડી છૂટ આપવામાં આવી હતી.
પરંતુ આજે પરીક્ષા માત્ર એક જ શિફ્ટમાં છે. આવી સ્થિતિમાં કડકાઈ વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં એક મહિના માટે કલમ-૧૪૪ લાગુ કરવામાં આવી છે.