અમદાવાદ માં આજે જગન્નાથજીના સોનાવેશમાં દર્શન, મંદિર પરિસરમાં ભક્તોનું ઉમટ્યુ ઘોડાપુર

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.  કારણ કે આજે ભગવાન જગન્નાથ સહિત ભાઇ બળભદ્ર અને બહેન સુદામા સાથે સોનાવેશમાં દર્શન આપી રહ્યા છે.  વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે જ્યારે નાથને સોનાના શણગાર સજાવવામાં આવે છે.  ભગવાનને સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો ભગવાનના આ રૂપને જોઇને ધન્ય બન્યા હતા.

યજમાન દ્વારા જ્યારે મામેરુ કરવામાં આવે છે ત્યારે ભગવાન માટે સોનાના આભૂષણો લાવવામાં આવે છે. ત્યારે સોનાવેશ ધરાવતા પહેલા યજમાન દ્વારા સોનાવેશનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને સોનાવેશ અર્પણ કરવામાં આવ્યો. જગન્નાથજી સોનાવેશમાં મનોહર રૂપના દર્શન કરવા ક્યાંય ક્યાંયથી ભક્તો ઉમટી પડ્યા હતા.  ભગવાનની એક ઝલક જોવા ભક્તો પડાપડી કરી રહ્યા છે. કારણ કે નાથનું આવુ રૂપ આખા વર્ષમાં આજે જ જોવા મળે છે.

હંમેશા ગજરાજની આગેવાની જ રથયાત્રા નીકળે છે. ત્યારે રથયાત્રાને લઇને આજે ગજરાજોનું પણ પૂજન કરવામાં આવ્યું. ગજરાજને પણ રથયાત્રાને લઇને ખાસ શણગાર કરવામાં આવશે. ગજરાજ રથયાત્રાની આગેવાની કરીને શોભામાં અભિવૃદ્ધિ કરશે.

જગન્નાથજી મંદિર પાસે ૧૭ જેટલા હાથી છે . આ વખતે  રથયાત્રામાં ૧૪ ગજરાજ હશે. જેમાં ૧૩ માદા અને ૧ નર ગજરાજનો સમાવેશ થાય છે.  જેમાં ૯ વર્ષના નર ગજરાજનું નામ બલરામ છે. તો ૧૧ વર્ષની સૌથી નાની માદાનું નામ રાની છે. તો ૬૫ વર્ષની સૌથી વયસ્ક માદાનું નામ સંતોષી છે. રથયાત્રાને લઇને તમામ ગજરાજની તબીબી તપાસ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *