મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ પણ તેઓને કોરોનાના માત્ર હળવા લક્ષણો જ હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.

આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૫મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે. મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને  ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે, જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે. આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *