અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રાનો રંગેચંગે આરંભ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
રથયાત્રાના પ્રસ્થાન પહેલાં આજે વહેલી સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતીમાં ગૃહમંત્રી અમીત શાહ હાજર રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી હતી. જગદીશ મંદિરના પરિસરમાં જય રણછોડ માખણચોરના નાદથી વાતાવરણ પવિત્ર બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરા પ્રમાણે રથયાત્રાના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરી પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.