ગાંધીનગર: ૧ જૂલાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધતા ગુજરાત સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી ૯૯.૯૭ ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે. રાજ્યમાં હાલમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત ૩૫,૦૦૦ કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે.
આ કનેક્ટિવિટીના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી સેવાઓ નાગરિકોને ઘરબેઠાં જ પ્રાપ્ત થશે. ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે હાલ રાજ્યના ‘સ્ટેટલેડ’ મોડલથી ભારત નેટ ફેઝ-૨નું અમલીકરણ દેશના ૯ રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે.
આ ઉપલબ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવે છે કે, ‘જ્યાં માનવ, ત્યાં સુવિધાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતે વિવિધ ડિજિટલ પ્રોજેક્ટ્સની પહેલ કરી છે. રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. તેના કારણે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સામાન્ય માણસો પણ હવે વિવિધ સરકારી સેવાઓના લાભ સરળતાથી મેળવી શકશે. રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી સરકારી સેવાઓની ડિજીટલ પહોંચ અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ.’
ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમને મળશે વેગ:
શરૂઆતના વર્ષોમાં કનેક્ટિવિટી તેમજ અન્ય પ્રશ્નોને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અપેક્ષિત સેવાઓ ઘણીવાર પહોંચાડવી મુશ્કેલ બનતી હતી. રાજ્યના છેવાડાના નાગરિકોને ઘરે બેઠા નાગરિકલક્ષી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય, તે માટે વર્ષ ૨૦૨૦માં ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી વધવાથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમને વેગ હવે વેગ મળશે. હાલ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના ૧૧ વિભાગોની ૩૧૨ જેટલી સેવાઓ ૧૪,૦૦૦થી વધુ ગ્રામપંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે અને તેના દ્વારા ૭૦ લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આજે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને ગામમાં જ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દેશ માટે દિશાદર્શક બની રહ્યો છે, જે ખૂબ જ ગર્વની બાબત છે.