સુરતનું ટેક્સટાઇલ માર્કેટ જગવિખ્યાત છે. કોરોનાને કારણે મંદીનું ગ્રહણ લાગેલો ટેક્સટાઇલનો વેપાર ધીમે ધીમે બેઠો થઇ રહ્યો છે. ત્યારે આ વખતે સ્વતંત્રતા દિવસ સુરતના વેપારીઓને ફળશે તેવી આશા છે. કારણ કે ૧૫મી ઑગષ્ટ નજીક હોવાથી મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળ્યા છે. જી,હા કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ ગયા હતા જેથી હવે દેશભરમાંથી તિરંગો બનાવવાના ઓર્ડર મળતા સુરતના વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
સ્વતંત્રતા દિવસની દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવે છે.તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ સ્વતંત્રતા પર્વની અનોખી રીતે અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે સુરતના વેપારીઓ અત્યારથી જ કામે લાગી ગયા છે. કારણ કે દેશભરમાંથી અંદાજે ૧૦ કરોડ રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળ્યા છે. સુરત ટેક્સટાઇલનું હબ ગણાતુ હોવાથી દેશભરમાંથી રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ ગ્રે કાપડ અને ડિઝિટલ પ્રિન્ટિંગની પણ સુવિધા સુરતમાં મળીરહેતી હોવાથી વધુ પ્રમાણમાં ઓર્ડર અહીં આવે છે.
સુરત ટેક્સટાઇલ એક્સપોર્ટની નવી શરૂઆત કરવામાં આવી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિદેશમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું છે. એટલાન્ટામાં ૯ થી ૧૧ જૂન સુધી ટેક્સટાઇલ એક્ઝિબિશન યોજાશે. જેમાં સુરતના ૫૯ ટેક્સટાઇલ ઉદ્યોગકારો ભાગ લેશે. ભારતીય કાપડ અને બનાવટની પ્રોડક્ટને પ્રદર્શિત કરવામાં આવશે.આ ટ્રેડ ફેરના કારણએ વિદેશમાં પણ સીધો વેપાર વધવાની શક્યતા જોવાઇ રહી છે.