છોટાઉદેપુર જિલ્લામાં ૫,૨૪૫ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તથા ૩૬૯ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે.
રાજ્યમાં આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨૪ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવા ૧૬ ઈંચ, પાવી, જેતપુરમાં ૧૦ ઈંચ, છોટાઉદેપુરમાં ૯ ઇંચ અને કવાંટમાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ૫,૨૪૫ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તથા ૩૬૯ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં કવાંટ તાલુકાના રામી ડેમમાં ભારે પાણીની આવક થતા ૮ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઝલાવાંટ, દેવત, ચીલીયાવાંટ, ડેરી, વીજળી, વાંટા, ખંડીબારા, મોટીસાંકડ ગામોના સરપંચ અને તલાટીને સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ઓરસંગ નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને પગલે ૭૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭ mm વરસાદ થયો છે. ચોટીલામાં ૧૫ mm, થાનમાં ૦૮ mm, સાયલામાં ૧૨ mm, ધાંગધ્રામાં ૨૩ mm, દસાડામાં ૦૪ mm, લખતરમાં ૧૯ mm, વઢવાણમાં ૩૮ mm, લીંબડીમાં ૦૯ mm, મૂળીમાં ૦૯ mm વરસાદ નોંધાયો છે.
તાપીમાં સતત બે દિવસથી વરસાદ વરસવાને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં ૩ ફૂટનો વધારો થયો છે. ઉકાઈ ડેમની સપાટી ૩૧૯.૩૮ ફૂટ પર પહોંચી ગઈ છે. તાપીમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલ વરસાદની વાત કરવામાં આવે તો ઉચ્છલમાં ૩૯ mm, કુકરમુંડામાં ૭૦ mm, ડોલવણમાં ૧૮૦ mm, નિઝરમાં ૫૪ mm, વ્યારામાં ૫૮ mm, વાલોડમાં ૭૩ mm, સોનગઢમાં ૬૦ mm વરસાદ થયો છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આહવામાં ૨૭૫ mm, વઘઇમાં ૨૮૮ mm, સુબીરમાં ૨૧૧ mm, સાપુતારામાં ૨૩૧ mm વરસાદ થયો છે. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન કેલિયા ડેમ ૭૦% સુધી ભરાતા વોર્નિંગ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. કેલિયા ડેમમાં ૧,૧૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ વરસાદની વાત કરવામાં આવે તો, અંકલેશ્વર ૧૪ mm, આમોદમાં ૧૯ mm, જંબુસરમાં ૧.૫ ઇંચ, ઝઘડિયામાં ૧ ઇંચ, નેત્રંગમાં ૨ ઇંચ, ભરૂચમાં ૧૦ mm, વાગરામાં ૯ mm, વાલિયામાં ૧ ઇંચ અને હાંસોટમાં ૧ ઇંચ વરસાદ થયો છે.