અમદાવાદમાં ગઈકાલે ત્રાટકેલા વરસાદે ઠેર-ઠેર વિનાસ વેર્યો હતો. આભની અટારીએથી ઉતરેલી આ આફતને પગલે પાણી ભરાવા સહિતના ખાના-ખરાબીના દ્રશ્યો સર્જાય હતા. આ દરમિયાન ભારે પવનની થપાટે આજે સોલંકી પુરા પાસે તોતિંગ વૃક્ષ ધારશાઇ થયું હતું. દહેગામ-ગાંધીનગર રોડ ઉપર વર્ષો જૂનું ઘેઘૂર વૃક્ષ કાળ બનીને રીક્ષા પર ખાબકતા ૩ લોકોના કમકમાંટીભર્યા મોત નિપજ્યાં હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી.
દહેગામ-ગાંધીનગર રોડ ઉપર પેસેન્જર સવાર રિક્ષા પસાર થઇ રહી હતી. આ વેળાએ શહેરના સોલંકીપુરા વિસ્તારમાં પીપળાનું મોટું ઝાડ એકાએક જમીન પર પડ્યું હતું જે સીધું જ રીક્ષા ઉપર પડતા રિક્ષામાં સવાર ૬ લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. જેમાં ત્રણ વ્યક્તિ કાળનો કોળીયો બની ગયા હતા. ૩ લોકોના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બીજી તરફ આ કરુણ ઘટના અંગેના વાવડ વહેતા થતાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તંત્રના સબંધિત વિભાગને જાણ કરતાં ટીમ દોડી આવી હતી.
ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરુણાંતિકા બાદ તોતિંગ વૃક્ષની ડાળીઓ રસ્તા ઉપર પડતાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રોડ પર વાહનોના થપ્પા લાગ્યા હતા. જેને લઈને તંત્ર દ્વારા જેસીબી સહિતની મશીનરી મારફતે નડતરરૂપ વૃક્ષ હટાવવા સહિતની કામગીરી યુધ્ધના ધોરણે આદરી દેવામાં આવી હતી.
ગુજરાત માટે આગામી ૪૮ કલાક ‘અતિભારે” છે. જેને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી આગામી ૪૮ કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તો ૧૫ ઈંચ સુધી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. જેને લઈ હવે તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઇ છે.