સત્રમાં ભારત-ચીન સરહદે તણાવ, સેના માટેની અગ્નિપથ યોજના સહિત વિવિધ મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે.
૧૮ જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્ર પહેલા આ રવિવારે ૧૭ જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવાયેલ આ બેઠકમાં બધા જ પક્ષોના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ૧૮ મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને આગામી છઠ્ઠી ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ૧૮ જુલાઈથી શરૂ થનાર સત્ર ૧૨ મી ઓગસ્ટ સુધી યોજાશે. આ સત્રમાં ભારત-ચીન સરહદે તણાવ, સેના માટેની અગ્નિપથ યોજના સહિત વિવિધ મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે.