ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસને લઇને ખળભળાટ મચ્યો છે. અનેક અબોલ પશુઓના મોત નીપજ્યા છે. માલધારીઓ પરેશાન થઇ ગયા છે. લંપી વાયરસના કહેરને પગલે પશુપાલન વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી અને બેંગ્લોરથી રસીના ડોઝ મંગાવ્યા છે. ત્યારે હવે વધતા જતા કેસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી છે.
રાજ્યમાં અત્યાર સુધી લમ્પી વાયરસથી ૧૨ પશુઓના મોત થઇ ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેમાં રાજકોટમાં એક સાથે ૮૦ પશુઓમાં વાયરસ જોવા મળ્યો હતો. હવે વધતા કેસને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. લંપી વાયરસ મામલે તેઓ આવતીકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે બેઠક કરશે. બેઠકમાં આ વાયરસને કેવી રીતે રોકવો અને શું પગલા લેવા તે અંગેની ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના ૧૨ જિલ્લામાં લંપી વાયરસના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.
સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પશુઓમા લંપી વારયસ ફેલાયો છે સાથે જ અનેક પશુઓના મોત પણ થયા છે જેના કારણે પશુપાલકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે બોટાદ શહેર અને ગઢડા તાલુકામાં ૩૦ જેટલા પશુઓમા લંપી વાયરસના લક્ષણો દેખાયા હતા.. પરંતુ બોટાદના પશુપાલન વિભાગ પાસે લંપી વાયરસની વેકસીન ઉપલબ્ધ ન હોવાને કારણે પશુપાલકોને ખાનગી ડોકટરો પાસે મોંઘી ફી આપી સારવાર કરાવવી પડી રહી છે ત્યારે મધુસુદન ડેરી દ્વારા લંપી વાયરસની વેકસીનની ડાયરેક્ટ ખરીદીને ડેરીના ડોકટરની અગલ અલગ ટીમો દ્વારા પશુપાલકોના ઘરે જઈને રસીકરણ કરવામા આવ્યુ હતું.
લમ્પી વાયરસના લક્ષણો
લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે.
પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે.