દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ આવશે. રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સાંજે સોમનાથ જશે. જ્યાં તેઓ આવતીકાલે ૨૬ તારીખે સવારમાં સોમનાથ મંદિરે દર્શન કરી પૂજા કરશે. બાદમાં તેઓ સોમનાથથી રાજકોટ પરત ફરશે. રાજકોટમાં તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ટાઉન હોલમાં બેઠક કરશે. બેઠકમાં તેઓ GST સહિતના પ્રશ્નો અંગે વેપારીઓ સાથે ચર્ચા કરશે. આવતીકાલે બપોરના ૧૨ વાગ્યે ટાઉન હોલ ખાતે આ બેઠક યોજાશે. વેપારીઓ સાથેની આ બેઠકમાં ચૂંટણી ઢંઢેરાને લઈને કેજરીવાલ મોટી જાહેરાત કરશે.
વડાપ્રધાન મોદી પણ તારીખ ૨૮-૨૯ જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ૧૫ જુલાઈથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. પરંતુ ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો.