ગુજરાતમાં ધીરે ધીરે લમ્પી વાયરસ પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી માત્ર ૧૪ જિલ્લામાં આ વાયરસ ફેલાયો હતો જે હવે વધીને ૨૦ જિલ્લા સુધી પહોંચ્યો છે. લમ્પી વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.રાજ્યમાં ૫૪ હજાર ૧૬૧ પશુઓ અસરગ્રસ્ત થયા છે. લમ્પી વાયરસને કારણે ૧ હજાર ૪૩૧ પશુઓના મૃત્યુ થયા છે. લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ ૮ લાખ ૧૭ હજાર પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે. કચ્છ જિલ્લામાં ૩૭ હજાર ૪૧૪ પશુઓ અસરગ્રસ્ત થયા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પશુઓેમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બોટાદ જિલ્લાના ૪૯૭ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા. જિલ્લાના ૬૬ ગામડાઓમાં લમ્પીના કેસ નોંધાયા અને રાણપુરમાં એક પશુનું મૃત્યુ પણ થયું છે. જો કે, આ લમ્પીની દહેશત વચ્ચે ૨૧ હજાર ૮૬૫ પશુનું રસીકરણ પણ કરાયું છે. હાલ જિલ્લામાં પશુપાલન વિભાગની ૧૦ ટીમો કાર્યરત થઇ ગઇ છે.
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે, ત્યારે રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ, તથા પશુઓના વેપાર, પશુમેળા અને પશુ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે ચેપી રોગવાળા પશુઓને જાહેરમાં ખુલ્લા મુકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ૨૧ ઓગસ્ટ સુધી અમલ કરવાનો રહેશે.
બનાસકાંઠા જિલ્લામાં ૪ લાખ જેટલાં લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જિલ્લામાં પશુપાલકો પાસે ૨૮ લાખ જેટલા પશુઓ છે જેમાં ૧૩ લાખ જેટલી ગાય અને ૧૫ લાખ જેટલી ભેંસો છે. જો કે જિલ્લામાં વાયરસનું પ્રમાણ ગાયોમાં ફેલાયું છે. બનાસકાંઠામાં અત્યાર સુધી ૧,૨૦૦ પશુઓને રોગની અસર થઈ છે અને ૬૫ જેટલા પશુ મોતને ભેટ્યા છે. જિલ્લામાં વાવ, ભાભર, સુઈગામ, કાંકરેજ, થરાદ, લાખણી, ડીસા, ધાનેરા અને દિયોદર સહિતના ૯ તાલુકાઓમાં ૨૦૦ જેટલા ગામોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે જેની ચિંતા કરી અને પશુપાલન વિભાગ તેમજ બનાસ ડેરીની ડૉક્ટરોની ટીમો કામે લાગી છે. રોગચાળાને નાથવા રાત-દિવસ ૧૧ ઈમરજન્સી વાહનો કાર્યરત છે.