રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક દર્દી મળી આવ્યો છે. ૩૫ વર્ષનો આ વ્યક્તિ નાઈજીરિયાનો છે પરંતુ હાલમાં તે દિલ્હીમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં મંકીપોક્સ વાયરસનો આ બીજો કેસ છે. તે જ સમયે, આ પહેલા દેશમાં મંકીપોક્સના કુલ ૫ કેસની પુષ્ટિ થઈ છે.
કેરળમાં ૨૨ વર્ષીય વ્યક્તિએ મંકીપોક્સ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વ્યક્તિ UAE થી પરત ફર્યો હતો. કેરળના આરોગ્યમંત્રી વિણા જ્યોર્જે કેરળમાં મંકી પોક્સ અંગે ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પોક્સ રોગની સ્થિતિને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરી હતી.
આ પહેલા મંકીપોક્સના કેસને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારે, મંકીપોક્સના કેસ પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ આખી ટીમ દેશભરમાં મંકીપોક્સના કેસ પર નજર રાખશે. બીજી તરફ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે, મંકીપોક્સને ધ્યાનમાં રાખીને તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક આરોગ્ય તપાસ કરવા માટે નિર્દેશ આપ્યો છે.