જામનગરમાં ગઈકાલે રાજ્યની એટીએસ, એલસીબી તથા એસઓજીના સ્ટાફને સાથે રાખી એટીએસે બેડી વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધર્યા પછી બે શખ્સની પૂછપરછના કારણે અટકાયત કરી હોવાનું ખૂલ્યું છે. ભારતીય જળસીમામાંથી એટીએસ તથા કોસ્ટગાર્ડની ટીમે ગઈકાલે ડ્રગ્સનો મોટો જથ્થો પકડયો છે.
જામનગર નજીકના બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે રાજ્યની એટીએસની ટીમ અત્યંત ગુપ્ત રીતે ત્રાટકી હતી. આ ટૂકડીમાં આવેલા અધિકારીઓએ સ્થાનિક ગુન્હાશોધક શાખા તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સં૫ર્ક કરી બંને ટીમનો સહયોગ મેળવ્યો હતો.
આ ઓપરેશનમાં બે શખ્સની અટકાયત કરાઈ હતી અને રાત્રે એટીએસની ટીમ પરત ફરી ગઈ હતી. જો કે, ક્યા બે શખ્સોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે તેની વિગતો એટીએસ દ્વારા જાહેર કરવામાં આવી નથી પરંતુ તાજેતરમાં જ ઝડપાયેલા ડ્રગ્સના પ્રકરણમાં આ શખ્સોની અટકાયત થઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ભારત-પાકિસ્તાનની જળસીમા પરથી ગઈકાલે એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુકત ટીમે ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. તે જથ્થો અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઈ ભારતમાં ઘૂસાડવાનો નાપાક તત્વોનો ઈરાદો હતો. તેના પર સર્જીકલ સ્ટ્રાઈક થઈ જતાં આ શખ્સોના ઈરાદા પર પાણી ફરી વળ્યું છે. ત્યારપછી સંબંવિતઃ રીતે બેડીના બે શખ્સોની અટકાયત થઈ છે.
અગાઉ એટીએસે કચ્છમાંથી ઝડપાયેલા ડ્રગ્સના તાર છેક બેડી સુધી જોડાયેલા હોવાનું શોધી કાઢ્યું હતું અને બેડી નજીકના એક અવાવરૃ વિસ્તારમાંથી દાટીને રાખવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો પણ કબજે કર્યાે હતો. ત્યારે ગઈકાલે જે બે શખ્સની અટકાયત થઈ છે તેમાંથી એક સામે ગાંજાની હેરાફેરીનો અગાઉ કેસ પણ થઇ ચૂક્યો હોવાનું માહિતગાર વર્તુળો ઉમેરે છે. તેથી જ ડ્રગ્સ પ્રકરણમાં આ બંને શખ્સની અટકાયત થઈ હોવાની શક્યતા નકારી શકાય નહીં.