જુલાઇ મહિનામાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતા જનક વધારો નોંધાયો છે.એક જ મહિનામાં સ્વાઇનફ્લૂના ૩૦ કેસ નોંધાયા છે. પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. તેમાં પણ વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસો નોંધાયા છે. વીએસ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને સારવાર લઇ રહ્યા છે જ્યારે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. તો સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત પણ નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાને લઇ ૨,૫૦૦ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરામાં રોગચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હેલ્થ સેન્ટરોની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. અકોટા રામપુરામાં આવાસના મકાનો ખાતે આરોગ્ય ટીમ દ્વારા ફોગિંગ, દવાનો છંટકાવ, પોરા નાશક કામગીરી શરૂ કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કરી જંતુનાશક દવા નાંખવામાં આવી રહી છે. મેલેરિયા, કોલેરા, વાયરલ ફીવરના કેસો વધતા તંત્ર દોડતુ થયું છે.
વડોદરામાં અત્યારસુધી ડેન્ગ્યુના ૧૪૭, ચિકનગુનિયાના ૧૮૧ કેસ નોંધાયા છે જ્યારે વાયરલ ફીવરના ૩,૭૧૭, કોલેરાના ૨૧ કેસ નોંધાયા છે.