ગુજરાતમાં આગામી ૫ દિવસ ફરીવાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને ૮ અને ૯ ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૭૭ તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં ૬ ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. બીજી તરફ, નવસારીના જલાલપોરમાં ૫ ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં સાડાચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. એ ઉપરાંત ગઢડા, કપડવંજ, જૂનાગઢ, પલસાણા, તલાલા, સાવરકુંડલા, નવસારી, મહુઆમાં ૩ થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. રાજ્યમાં સીઝનનો કુલ ૨૪ ઈંચ વરસાદ ખાબકી ગયો છે, જેમાં કચ્છમાં ૨૧ ઈંચ, ઉત્તર ગુજરાતમાં ૧૯ ઈંચ, મધ્ય ગુજરાતમાં ૨૦ ઈંચ, સૌરાષ્ટ્રમાં ૧૮ ઈંચ, દક્ષિણ ગુજરાતમાં ૫૦ ઈંચ વરસાદ થયો છે.