સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર સેટેલાઈટ “આઝાદીસેટ’ ઉડાન ભરતા પહેલાં ઔપચારિક તપાસમાંથી પસાર થઇ રહ્યું છે.
શ્રીહરિકોટામાં લોન્ચિંગ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. તેને બનાવનાર દેશની ૭૫ સ્કૂલોની તમામ ૭૫૦ વિદ્યાર્થિનીઓ શ્રીહરિકોટા પહોંચી રહી છે જે પોતાના સેટેલાઈટનું લોન્ચિંગ લાઈવ જોશે.
આ દિવસ એટલા માટે ઐતિહાસિક હશે કેમ કે સેટેલાઇટ ફક્ત વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરાયો છે. સાથે જ એ વાત મહત્ત્વપૂર્ણ છે કે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ(એસએસએલવી) પહેલીવારફક્ત ૮ કિ.ગ્રા.નો સેટેલાઈટ અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરવા જઈ રહ્યું છે. તે અંતરિક્ષથી જમીનનું મેપિંગ કરવામાં કામ લાગશે. ખાસ વાત એ પણ છે કે તે અંતરિક્ષમાં તિરંગો લહેરાવશે.
રવિવારે સવારે ૦૯:૧૮ વાગ્યે લોન્ચ કરવામાં આવી રહેલા આ સેટેલાઈટમાં સેલ્ફી કેમેરા લગાવેલા છે. જ્યારે અંતરિક્ષમાં તેની સોલર પેનલ ખૂલશે ત્યારે તે સેલ્ફીઓ મોકલવાનું શરૂ કરશે. તે ૧૦ મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. ઈસરોના એક વરિષ્ઠ વિજ્ઞાનીએ જણાવ્યું કે એસએસએલવીના લોન્ચિંગની સાથે જ દેશમાં હળવા કોમર્શિયલ સેટેલાઈટના લોન્ચિંગમાં તેજી આવશે. કેમ કે હવે નાના સેટેલાઈટના લોન્ચિંગ માટે મોટા રોકેટની લાંબા સમય સુધી રાહ નહીં જોવી પડે.