મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી વિશ્વ સિંહ દિવસની ઊજવણીમાં સહભાગી થયા

સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી વિશ્વ સિંહ દિવસની ઊજવણીમાં સહભાગી થયા. આ ઊજવણીમા સહભાગી થતા તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે. એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે.  એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનોની સુવિધા કરવામાં આવી છે.

 

 

સિંહોની સ્થળ પર ત્વરિત  સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથેની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. સિંહો માટે  સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પિટલની સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉપરાંત વન વિભાગે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કરબાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શરૂ કરવામાં આવ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

આપણા દેશના એમ્બલમ એટલે કે રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજા તરફ પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.  પ્રધાનમંત્રીના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે.  આવનારા દિવસોમાં રાજ્યમાં ૩૬ મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોનો ખુબ મોટો ફાળો રહેલો છે એમ  જણાવતા મુખ્યમંત્રીએ ગીરના સાવજ અને વન્યપ્રાણીઓ પ્રત્યે ખાસ કરીને આવનારી પેઢી સમા બાળકોમાં જે જાગૃતિ અને લગાવ જોવા મળ્યો છે તેની  પ્રશંસા કરી હતી.

આ વર્ષે વર્લ્ડ લાયન ડે ની ઉજવણીમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના ૬ જિલ્લાના ૬,૮૦૦ જેટલી શાળા કોલેજીસના તેમજ અન્ય વન પ્રેમીઓ, અગ્રણીઓ, વન્યપ્રાણી જીવ પ્રેમીઓ  મળીને અંદાજે ૧૫ લાખ લોકો જોડાયા છે. મુખ્યમંત્રીએ ક્હ્યું કે,  વન વિસ્તારમાં વસતા સ્થાનિક લોકોએ તો સિંહ સાથેના સહઅસ્તિત્વને સ્વીકાર્યુ છે તથા જીવો,જી વવા દો અને જીવાડોના આપણા સંસ્કાર જાળવી રાખ્યા છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંઓ, વન વિભાગના અથાગ પ્રયત્નો અને ગુજરાતના લોકોની ભાગીદારી થી સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહેલો છે. સિંહના વિચરણ-હરફરનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો જિલ્લાઓ મળી ૩૦ હજાર ચોરસ કિલોમીટર થયો છે એમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે  ગાંધીનગરમાં વન મંત્રી કિરીટ સિંહ રાણા, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને  હેડ ઓફ ફોરેસ્ટ યુ.ડી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી શ્રીવાસ્તવ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *