ઈન્ડો પાક બોર્ડર ઉપર સાંસદ વિનોદ ચાવડા અને વિધાનસભા અધ્યક્ષ નીમા આચાર્યએ જવાનો સાથે તિરંગા યાત્રા સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
દેશની પશ્ચિમ સરહદે ઈન્ડો પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર તિરંગા યાત્રાએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ સાથે જ પોતાના ઘર અને પરિવારથી દૂર રહી સરહદે ફરજ બજાવતાં ફૌજી જવાનોને કાંડે બહેનોએ રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી ત્યારે ભાતૃભાવનો ભાવવાહી માહોલ સર્જાયો હતો. ભુજથી છેક કચ્છના મોટા રણમાં ઈન્ડો પાક બોર્ડર સુધી આ યાત્રા યોજાઈ હતી.
તિરંગા યાત્રા દરમિયાન રક્ષાબંધનનું પર્વ હોવાથી વિધાનસભા અધ્યક્ષા ડો.નીમા આચાર્ય, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા સહિત અન્ય બહેનોએ સરહદે ફરજ બજાવતાં જવાનોને રાખડી બાંધી તેમની રક્ષાની પ્રાર્થના કરી હતી.
૭૫ વાહનો સાથે ૩૦૦ થી વધુ લોકો સાથે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીનાં ૭૫ વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં હર ઘર તિરંગા ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત અભિયાન છે. દરેક ભારતીય તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ પોતાના ઘરે – ધંધા રોજગાર સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવે જેથી ભારતની જનતામાં દેશ ભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આદરની ભાવના કેળવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને અપીલ કરી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ શાંતિ – પ્રેમ અને એકતાનું પ્રતિક છે.